મન તો થાય છે કે છેડો ફાડી નાખું 

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

વર્ષાની વાત કરીએ, વાદળની વાત કરીએ, 
તું આવ જો અહીં તો કાજળની વાત કરીએ,
તૈયાર છું હજુ પણ, તું સાથ જો મને દે, 
વધવું જો હોય આગળ,આગળની વાત કરીએ.
-નિનાદ અધ્યારું

જ્યાં સંબંધ છે ત્યાં સમસ્યા હોવાની જ છે. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, ક્યારેક તો કોઈ વાતે અંટસ પડવાની જ છે. વ્યક્તિ નજીકની હોય ત્યારે પ્રોબ્લેમ થવાની શક્યતા વધી જતી હોય છે. જેની સાથે કંઈ જ લાગતું વળગતું નથી તેની સાથે પ્રોબ્લેમ થવાનો કોઈ સવાલ હોતો નથી. અજાણ્યા સાથે પ્રોબ્લેમ થાય તોપણ આપણને બહુ ફેર પડતો નથી. પીડા, વેદના, વ્યથા અને ત્રાસ ત્યારે જ થાય છે, જ્યારે આપણી વ્યક્તિ સાથે જ આપણને પ્રોબ્લેમ થાય છે. તમને આ જગતમાં સૌથી વહાલું કોણ છે? એની સાથે શું તમને ક્યારેય કોઈ પ્રોબ્લેમ થયો નથી? થયો જ હશે. એ પ્રોબ્લેમ પૂરો પણ થઈ ગયો હશે. કાં તો તમે જતું કરી દીધું હશે, કા એણે વાત વધવા દીધી નહીં હોય. આવા વાંધાવચકા ભુલાઈ પણ જતાં હોય છે. એ જલદીથી ભુલાઈ જાય એ જ જરૂરી હોય છે.
ભલા એ જ થઈ શકે છે, જેનામાં ભૂલી જવાની તાકાત હોય છે. જે ભૂલતાં નથી એ રિબાતાં જ રહે છે. નજીકની વ્યક્તિ સાથે ક્યારેક તો એવું થવાનું જ છે કે આપણને તેનાથી છેડો ફાડી નાખવાનું મન થઈ આવે. બસ હવે એની સાથે કોઈ સંબંધ નથી રાખવો. મારે મુક્તિ જોઈએ છે. મારે હવે મારી રીતે જીવવું છે. બધાને પોતાની રીતે જીવવું હોય છે. જો તમને તમારી રીતે જીવવા મળે એવી વ્યક્તિનો સાથ મળ્યો તો તમે નસીબદાર છો. જોકે, એવું હન્ડ્રેડ પર્સન્ટ ક્યારેય થઈ શકતું નથી. ક્યારેક કોઈ મુદ્દે વાંધો પડે છે. મોટાભાગના પ્રોબ્લેમ્સ એવા હોય છે, જે ટેમ્પરરી હોય છે. રાત ગઈ, બાત ગઈ. છેડો ફાડી નાખવો એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી હોતો.
બે વ્યક્તિની ઇચ્છાઓ અલગ અલગ હોવાની, માન્યતાઓ જુદી જુદી હોવાની, ઈગોનું લેવલ પણ ક્યારેય એકસરખું રહેવાનું નથી,જીદ પણ જુદી જુદી જ હોવાની. તમે તમારી વ્યક્તિ માટે કેટલું જતું કરી શકો છો? પ્રેમની હદ કેટલી હોય છે તેના પરથી સ્વીકારની મર્યાદા નક્કી થતી હોય છે. એક વ્યક્તિની આ વાત છે. વિદેશમાં તેને સરસ મજાની જોબ મળી. પત્નીને લઈ એ વિદેશમાં સેટ થયો. થોડો સમય તો બધું બરાબર ચાલ્યું. પત્નીને વિદેશમાં મજા આવતી ન હતી. પત્નીને મજામાં રાખવાના એણે બધા જ પ્રયત્નો કર્યા. રોજ એ નવા નવા નુસખા અપનાવતો પણ પત્નીને મજા આવતી ન હતી. એક સાંજે જોબ પરથી એ પાછો આવ્યો. એ દિવસે તેને પ્રમોશન મળ્યું હતું. એણે નક્કી કર્યું હતું કે પત્નીને આ વાત કરીશ અને ડીનર પર લઈ જઈશ. પત્ની ગુમસૂમ બેઠી હતી. પત્નીને પ્રેમથી કહ્યું કે, ચાલ આપણે ડીનર પર જઈએ. પત્ની તૈયાર થઈ. બંને સરસ હોટલમાં ગયાં. પત્નીએ પૂછયું કે તમારે શું વાત કરવી હતી? પતિએ પત્નીનો હાથ હાથમાં લઈને કહ્યું કે, આપણે ઇન્ડિયા પાછાં જઈએ છીએ. પત્નીની આંખમાં ચમક આવી ગઈ. પતિને વિચાર ઝબકી ગયો કે મારા પ્રમોશનની વાતથી તેની આંખમાં આવી ચમક આવી હોત? ના! તો પછી પ્રમોશનનો મતલબ શું છે?પતિએ કહ્યું કે હું અહીં દેશથી દૂર એ વિચારે જ આવ્યો હતો કે તને ખૂબ ખુશ અને સુખી રાખીશ. મારી ઇચ્છા વધુ રૂપિયા કમાવવાની ન હતી, મારી ઇચ્છા તારી સાથે જીવવાની હતી. જો એ તને ન મળતું હોય તો બધું નક્કામું છે. હા, મને ઇન્ડિયામાં આવી જોબ નહીં મળે, આટલી ઇનકમ નહીં થાય પણ તું તો ખુશ હોઈશને! હું ગમે તે કરી લઈશ પણ તારી ઉદાસી અને ખામોશી મને મંજૂર નથી. પત્નીએ કહ્યું કે કેવું સારું છે કે તું મને સમજી શકે છે. મેં તો તને એક વાર પણ કહ્યું નથી કે ચાલ પાછાં ચાલ્યાં જઈએ પણ તું સમજી ગયો. પ્રેમ હોય ત્યાં બોલ્યા વગર બધું સમજાઈ જતું હોય છે. વિશ્વાસ ન હોય ત્યાં જ ખુલાસાઓ કરવા પડતા હોય છે.
તમે ક્યારેય વિચાર કર્યો છે કે તમે અત્યારે જે કંઈ કરો છો એ કોના માટે કરો છો? તમે જેના માટે એ કરો છો એ વ્યક્તિ એનાથી ખુશ છે? આપણે આપણી વ્યક્તિને કહેતાં હોઈએ છીએ કે આ બધું તારા માટે તો કરું છું. તમે ક્યારેય એને પૂછયું કે હું તારા માટે જે કરું છું એનાથી તું ખુશ તો છેને? આપણે ઘણી વખત આપણી રીતે જ નક્કી કરી લેતા હોઈએ છીએ કે આમ કરીશ તો એ ખુશ થશે. દાનત ખોટી નથી હોતી, ઇરાદા પણ ચોખ્ખા અને નિર્દોષ હોય છે, માત્ર રીત બરાબર હોતી નથી. આઈ લવ યુ કહીએ એનાથી અડધી વખત પણ આપણે પૂછતાં નથી કે તું ખુશ છેને? ઉદાસ હોય તોપણ પૂછતાં નથી કે શું થયું? કેમ મજામાં નથી? આપણે મજામાં નથી એવું માની લઈને એને મજામાં રાખવાનો પ્રયાસ પણ કરીએ છીએ, પણ મજામાં ન હોવાનું કારણ પૂછતાં નથી. સુખ વખતે આપણે જેટલા બોલકા હોઈએ છીએ એટલા જ આપણે દુઃખ વખતે મૌન થઈ જઈએ છીએ. પોતાની વ્યક્તિ સાથે ખડખડાટ હસી શકાય છે પણ ધ્રૂસકે ધ્રૂસકે રડી શકાતું નથી. શું નડે છે? કેમ આપણે સાથે હોઈએ તોપણ સહજ હોતા નથી? કારણ કે આપણે ઘણી વખત બોલતા હોતા નથી, વાત શેર કરતાં નથી, વ્યક્ત થતાં નથી અને આપણી વ્યક્તિને વ્યક્ત થવાનો મોકો આપતા નથી.
હા, દરેક વખતે જતું કરવું કે નમતું જોખવું વાજબી નથી હોતું. સહન કરવાની એક લિમિટ હોય છે, પણ સવાલ એ જ હોય છે કે એ લિમિટ કઈ? ખરેખર એ લિમિટ આવી જાય ત્યારે છેડો ફાડી નાખવો પણ ઘણી વખત જરૂરી બની જાય છે. સતત ઢસડાતા રહેવાનો પણ કોઈ મતલબ હોતો નથી. આ લિમિટ વાજબી છે કે કેમ? એ સમજવું જરૂરી હોય છે. સાથોસાથ એટલું પણ વિચારી લેવાનું હોય છે કે જે સ્થિતિ છે એના માટે હું તો જવાબદાર નથીને? છેડો ફાડી નાખવાથી વાત પતી જવાની છે? મુક્તિ મળી જવાની છે? જ્યારે કોઈ રસ્તો ન હોય ત્યારે માર્ગ છોડી દેવો જ બહેતર હોય છે. કોઈ રસ્તો બાકી રહેતો હોય, કોઈ માર્ગ બનાવી શકાતો હોય અને ઈગોને કારણે જ અથડામણ થતી હોય ત્યારે વિચારવું જોઈએ કે હું જે કરું છું એ વાજબી છે? પોતાની જાત સાથે તટસ્થ થવાનું બહુ અઘરું હોય છે. બહુ ઓછા લોકો પોતાને આરોપીના પાંજરામાં ખડા કરીને ન્યાય તોળી શકતા હોય છે.
એક છોકરીની વાત છે. એનાં લગ્ન થઈ ગયેલાં. પતિ સાથે ચડભડ થતી રહેતી. વાત ક્યારેક ખૂબ વધી જતી. પતિ-પત્ની વચ્ચે તો આવું થાય એવું વિચારીને બંને ચલાવે રાખતાં હતાં. એ છોકરી એક વખત પિયર આવી. પિતાએ પૂછયું કે તું સુખી તો છો ને? દીકરીથી ન રહેવાયું. તેણે પતિ વિશે કહ્યું કે એ આવો છે, તેવો છે, બેદરકાર છે, કેરિંગ નથી. આખી વાત સાંભળીને પિતાએ એટલું જ કહ્યું કે દીકરા દુનિયામાં તારાથી વધારે કંઈ નથી. તને જો ત્યાં ન ફાવતું હોય તો તારા બાપના ઘરના દરવાજા તારા માટે સદાય ખુલ્લા છે. દીકરી પિતાને વળગી ગઈ. થેંક્યુ કહ્યું. પછી એટલું જ કહ્યું કે પપ્પા અત્યારે અમારા બંને વચ્ચે જે પ્રોબ્લેમ્સ છે એ જ પ્રોબ્લેમ્સ તમારા અને મમ્મી વચ્ચે હતા. મેં મારી નજરે એ પ્રોબ્લેમ જોયા છે. છતાં અત્યારે તમે સાથે છોને? પ્રેમથી રહો છોને? હવે બીજી વાત, તમારા પહેલાં આ જ બધી વાત મેં મમ્મીને કરી હતી. છેલ્લે મમ્મીને મેં એટલું જ પૂછયું કે તને પપ્પા સાથે આટલા બધા પ્રોબ્લેમ હતા છતાં તું એની સાથે કેમ રહી? તું પણ પિયર જઈ શકતી હતી તો કેમ ન ગઈ? મમ્મીએ ત્યારે કહ્યું કે, દીકરા તારા પપ્પામાં શું ખરાબ છે એવું હું વિચારતી હતી, એ વિચારીને હું દુઃખી પણ થતી હતી, પણ સાથોસાથ હું એ પણ વિચારતી હતી કે એમનામાં સારું શું છે? મેં શોધ્યું તો ઘણું મળી આવ્યું અને એની સાથે જીવવા માટે એટલું કાફી હતું. મેં મારા વિચારવાની દિશા બદલી છે અને મને એમનામાં ઘણું સારું પણ મળી આવ્યું છે! કોઈ પ્રોબ્લેમ નથી, તમે ચિંતા ન કરો, આ બધા પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ શકે એવા છે.
તમે તમારી વ્યક્તિમાં સારું શોધવાનો પ્રયત્ન કર્યો છે? તેના માટે સૌથી પહેલાં તો ખરાબ શોધવાનું બંધ કરવું પડે છે. કરી જોજો. સુખી અને ખુશ રહેવાનાં ઘણાં અને પૂરતાં કારણો મળી રહેશે. છેડો ફાડી નાખવો બહુ સહેલો હોય છે અને જે સહેલું હોય એમાં બહુ ઉતાવળ ન કરવી જોઈએ. હન્ડ્રેડ પર્સન્ટ કંઈ નથી હોતું. સાઠ હોય તો તમારે ચાલીસ થવું પડે છે અને ચાલીસ હોય ત્યારે સાઠ. સંપૂર્ણતા એકબીજા સાથે હોય તો જ પ્રાપ્ત થાય.
છેલ્લો સીન : 
સંબંધોમાં સૌથી મોટી સમસ્યા એ હોય છે કે બધાએ બધાને બદલી નાખવા હોય છેપણ પોતાને તસુભર પણ બદલવું હોતું નથી! -અજ્ઞાાત
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 20 જુલાઇ, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: