મારા કરતાં એને બીજાં વધુ વહાલાં છે!

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
રંજ ઇસકા નહીં કિ હમ ટૂટે, યે તો અચ્છા હુઆ ભરમ તૂટે!
તુઝ પે મરતે હૈં, ઝિંદગી! અબ ભી જૂઠ લિખે તો યે કલમ તૂટે!
-સૂર્યભાનુ ગુપ્ત

સંબંધ, પ્રેમ, લાગણી અને દોસ્તી માપવાની નહીં પણ પામવાની ચીજ છે, આમ છતાં માણસ બધું માપતો રહે છે. ગણતરી એ માણસની ફિતરત છે. કોના માટે કેટલું ઘસાવું, શા માટે ઘસાવું,ઘસાવાથી ફાયદો થાય છે કે નુકસાન એનો આપણે હિસાબ માંડતા રહીએ છીએ. ગણિત ગળથૂથીમાં મળતું નથી. ગણિત અને ગણતરી માણસને શીખવાડવામાં આવે છે. ચોપડી રાખવાનું અને ચોપડાવી દેવાનું વલણ માણસને ગણતરીબાજ બનાવી દે છે. હિસાબ હોય ત્યાં બેહિસાબ કે બેમિસાલ કશું હોતું નથી, ત્યાં તો બધું ફૂટપટ્ટીથી મપાય છે અને વજનકાંટાથી તોળાય છે. તોળવામાં અને તોડવામાં ઘણા લોકોને સારી એવી ફાવટ હોય છે. એણે જેટલું કર્યું એટલું જ આપણે કરવાનું, એવું માનતા ઘણા લોકો પોતાને સમજદાર સમજતાં હોય છે. એણે છાશ આપી હતી તો પછી હું દૂધ શા માટે આપું? ચાંદલો આંકડાથી મપાય છે, ગિફટનું ટોટલ મરાય છે. આપણે જેને વહેવાર કહેતાં હોઈએ છીએ એ મોટાભાગે તો હિસાબ-કિતાબ જ હોય છે.
હિસાબ માત્ર નાણાકીય જ નથી હોતા, હિસાબ માનસિક પણ હોય છે. કોણ કેટલું વહાલું છે, કોણ કોને કેટલો પ્રેમ કરે છે, કોણ કોનું વધુ રાખે છે, કોની કોને વધુ ચિંતા થાય છે એનો હિસાબ પણ માણસો રાખતા હોય છે. તમને સૌથી વધુ વહાલું કોણ છે એવું કોઈ પૂછે તો તમે શું જવાબ આપો? હા, અમુક ચહેરા, અમુક નામ, અમુક વ્યક્તિ એવી હોય છે જેને આપણે સૌથી વધુ પ્રેમ કરતાં હોઈએ છીએ. આમ છતાં એનો મતલબ એવો નથી હોતો કે આપણે બીજાને પ્રેમ નથી કરતાં. સંબંધોના કોઈ ક્રમ નથી હોતા. સંબંધ બસ સંબંધ હોય છે, ક્રમ તો આપણે માની લીધા હોય છે.
એક બાપને બે દીકરી હતી. વહાલી બંને હોય છે છતાં એક પ્રત્યે લગાવ વધુ હોવાનો. ઘણાને મોટી વહાલી હોય છે, તો ઘણાને નાની. એ બાપને પણ નાની દીકરી વધુ વહાલી હતી. બંને મોટી થઈ. નાની દીકરીને ઓલવેઝ એવું થતું કે હું વધુ વહાલી છું. મોટી થયા પછી બંનેનાં લગ્ન થયાં. નાની દીકરીનું સાસરું સુખી અને સારું હતું. મોટી દીકરીને સાસરામાં થોડા પ્રોબ્લેમ્સ હતા. મા-બાપનો લગાવ મોટી દીકરી તરફ વધવા લાગ્યો. નાની દીકરીએ એક દિવસ પપ્પાને કહ્યું કે હું તમારી વધુ લાડકી છું, પણ તમે ધ્યાન મોટી બહેનનું વધુ રાખો છો! ડેડીએ કહ્યું કે દીકરા, તારી વાત સાચી છે, પણ એનું અત્યારે ધ્યાન રાખવાની વધુ જરૂર છે. સ્નેહનું એવું નથી કે એ ખૂટી જાય, એને આપી દીધો એટલે તારો ભાગ છીનવાઈ જશે એવું પણ નથી હોતું. લાગણી તો એવી સરવાણી છે જે ક્યારેય સુકાતી જ નથી.
આખી દુનિયા એમ કહે છે કે પ્રેમમાં પઝેસિવનેસ ન હોવી જોઈએ. સાચી વાત એ છે કે જ્યાં પ્રેમ હોય ત્યાં પઝેસિવનેસ હોવાની જ છે. પ્રેમ જેટલો વધુ હોય એટલી પઝેસિવનેસ વધુ. એ બસ મારો જ છે અને મારો જ રહેવો જોઈએ. પ્રેમમાં પઝેસિવનેસનો અતિરેક જ ઘણી વખત પ્રેમમાં ઓટનું કારણ બનતો હોય છે. એક પતિ-પત્ની હતાં. બંનેએ લવમેરેજ કર્યા હતા. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં. પત્ની ધીમે ધીમે બધાંનાં મોઢે એવું કહેવા લાગી કે, હું એને વહાલી છું, પણ મારા કરતાં બીજાં ઘણાં બધાં એને વધુ વહાલાં છે. એની મા કે એની બહેન કંઈક કહે એટલે પત્યું, એ એનો પડયો બોલ ઝીલે. એની વાત હોય એટલે એ કોઈનું ન સાંભળે. મારી વાત પણ ન સાંભળે. આવી વાતો અને આવી માનસિકતા ક્યારે અંતર વધારી દે એની ખબર જ પડતી નથી. પતિ એને સમજાવતો કે તું માને છે એવું નથી. તું મને સૌથી વધુ વહાલી છે, પણ એનો મતલબ એ નથી કે હું મારી મા કે મારી બહેનની વાત ન સાંભળું કે એમનું ધ્યાન ન રાખું! માન્યતા એવી વસ્તુ છે જેને વહેલી તોડવામાં ન આવે તો એ ગાઢ અને તીવ્ર બની જાય છે. ઘણાં પતિ-પત્ની એકબીજાંથી છાનુંછપનું ઘણું કરતાં હોય છે અને એનું કારણ આવું જ હોય છે.
મેં તેને મદદ કરી હતી એ આપણા બંને વચ્ચે જ રાખજે. ઘરે ખબર ન પડે એ જોજે. કારણ વગરની ઘરમાં માથાકૂટ થશે. માણસ ઘરમાં માથાકૂટ ટાળવા ઘણી વખત છૂપાં કામ કરતો હોય છે. એનું કારણ પણ એવું જ હોય છે કે એ પત્નીને પ્રેમ કરતો હોય છે. એક મિત્રએ કહેલી આ વાત છે કે, હા હું મારી પત્નીને ખબર ન પડે એ રીતે પરિવાર અને નજીકના લોકોને ઘણી મદદ કરું છું. દર વખતે મને ગિલ્ટી ફીલ થાય છે અને દર વખતે એવું થાય છે કે કાશ હું તેની સાથે વાત કરી શકતો હોત! વાત કરું તો એ વાત જ ઝઘડાનુ કારણ બની જાય છે. આવી વાત બહાર આવે ત્યારે ઘરનું વાતાવરણ તંગ બની જાય છે અને છેવટે વાત ત્યાં સુધી આવી જાય છે કે મને ઠીક લાગે એમ કરીશ, તારે માથું મારવું નહીં! દરેક પતિ-પત્ની એવું ઇચ્છતાં હોય છે કે પોતાનો લાઇફ પાર્ટનર એની સાથે બધી જ વાત શેર કરે. બધાને કરવી હોય છે પણ એ વાતાવરણ ન હોય ત્યારે ખાનગી શરૂ થાય છે. તમારી વ્યક્તિ જ્યારે તમારાથી છુપાવીને કંઈક કરે ત્યારે તેનો વાંક કાઢતા પહેલાં જરાક એ પણ વિચારી લેજો કે આમાં ક્યાંક મારો વાંક તો નથી ને? પોતાની વ્યક્તિને રોકવાનો પ્રયત્ન કરવામાં જ ઘણી વખત માણસ પોતાની વ્યક્તિને બીજો અને છૂપો માર્ગ લેવા માટે મજબૂર કરતી હોય છે.
ઘણી વખત માણસને સમજાય ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. આપણે આપણી વ્યક્તિનો વાંક કાઢવામાંથી જ નવરાં થતાં નથી. બે બહેનપણીઓ હતી. નાનપણથી બંને સાથે મોટી થઈ હતી. બંનેનાં લગ્ન થયાં તોપણ દોસ્તી એવી ને એવી રહી. એક બહેનપણીના પતિનું અવસાન થયું. દીકરી લગ્ન કરીને ચાલી ગઈ. દીકરો જોબ માટે બીજા શહેરમાં રહેતો હતો. એકલતા કોને કહેવાય એની એને બરાબર ખબર હતી. તેની બહેનપણીને એક દીકરી હતી. તેનાં લગ્ન થઈ ગયાં પછી પતિ-પત્ની બંને એકલાં રહેતાં હતાં. એક વખત પત્નીને ગળામાં દુખતું હતું. ફોન પર અવાજ સાંભળીને એકલી રહેતી ફ્રેન્ડે પૂછયું કે કેમ તારો અવાજ આવો છે? તેની ફ્રેન્ડે જવાબ આપ્યો કે ગળું દુખે છે. બહેનપણીએ કહ્યું કે મીઠાના પાણીના કોગળા કરી લે. તરત જ એની બહેનપણીએ કહ્યું કે તારા જીજાજીને ક્યારની કહું છું, પણ એ પાણી ગરમ નથી કરી દેતા, એને હવે મારી પડી જ નથી. આ સાંભળી અને એકલી રહેતી ફ્રેન્ડે માત્ર એટલું જ કહ્યું, તારી પાસે એવી વ્યક્તિ તો છે જેની તું ફરિયાદ કરી શકે! મારી પાસે તો એવું પણ કોઈ નથી!
સંબંધો વહેણ જેવા હોય છે, એને વહેવા દો. રોકવા જશો તો છલકીને છટકી જશે. સંબંધમાં કોઈ ગણતરી ન રાખો. પ્રેમ ઉપર કબજો કરી શકાતો નથી. તમારો પ્રેમ સાચો હશે તો એ હળવો હશે. સંબંધ ગમે તે હોય તમારા પૂરતાં તમે વહાલાં હોવ તો એ ઘણુ છે. પ્રેમ અમાપ હોય છે, પણ જો એને માપવા જશો તો કદાચ એ ખૂટી જશે. કોણ કેટલું વહાલું છે એની ચિંતા કર્યા વગર વહાલ કરતાં રહેશો તો જ એવું લાગશે કે તમે જ એને સૌથી વહાલા છો.
છેલ્લો સીન :
માણસ ઉંમરલાયક થાય છે, પરંતુ ઘણા ઓછા માણસો ઉંમરને લાયક થાય છે. -અજ્ઞાત
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા.2 માર્ચ, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

One thought on “

Leave a Reply

%d bloggers like this: