સારા કે ખરાબ માણસ હોવું એટલે શું?

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
આવે છે યાદ એની બસ એટલું હું જાણું, પૂછો નહીં કે ક્યારે,શું કામ યાદ આવે,
ભૂલી જવાય માણસ આખેઆખો પરંતુ માણસની બાદ માણસનું કામ યાદ આવે
નિનાદ અધ્યારુ
સારા માણસ હોવું એટલે શું? સારાની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી. હા,કહેવું હોય તો કહી શકાય કે જે ખરાબ નથી એ સારું છે. તો સવાલ એ થાય કે ખરાબ એટલે શું ? ખરાબ કે બૂરાની પણ કોઈ ચોક્કસ ડેફિનેશન નથી. દરેક માણસ પોતાને સારો જ સમજે છે. ખૂનીને પૂછશો તો તેની પાસે પણ ખરાબ ન હોવાનાં પૂરતાં કારણો હશે.
સારા હોવું કે સારા બનવું એ કોઈનો ઇજારો નથી. દરેક માણસમાં જો સૌથી મોટી કોઈ ક્ષમતા હોય તો એ સારા બનવાની છે. સારા કે ખરાબનો કોઈ માપદંડ પણ નથી. કેટલો સારો હોય તો માણસ સારો ગણાય, એનું માપ ન હોય. હા, ખરાબ બનવા માટે એક ભૂલ કે એક ગુનો કાફી છે. જાહેરમાં સારો થઈને ફરતો માણસ ખાનગીમાં થોડોક ગુનેગાર હોય છે અને આખી દુનિયા જેને ખરાબ માનતી હોય એ પણ થોડોક સારો હોઈ શકે છે. માણસ કઈ તરફ વધુ ઢળે છે તેના પરથી તેનું સારું વ્યક્તિત્વ કે ખરાબ ચારિત્ર્ય નક્કી થતું હોય છે.
મને કંઈ ફેર પડતો નથી એવું કહેનારને પણ ક્યાંક કશોક ફેર પડતો હોય છે. કોઈ સારો માણસ કહે એ બધાને ગમતું હોય છે. સારા માણસ કહેવડાવવા સારા સાબિત થવું પડતું હોય છે. બગડવાની પૂરતી તક હોય છતાં જે બગડે નહીં એ સારો માણસ છે. સીધી જમીન પર બધા જ સીધા ચાલી શકે છે પણ લપસણી જગ્યા ઉપર પણ લસરી ન જાય એ માણસ ‘બેલેન્સ્ડ’ છે.
એક માણસે કહ્યું કે મેં મારી જિંદગીમાં ક્યારેય લાંચ લીધી નથી. હકીકત એ હતી કે એને લાંચ મળે એવી શક્યતા જ ન હતી. હા,લાંચ ઇઝીલી અવેલેબલ હોય અને ન લે તો એ સાચો સજ્જન છે. એક માણસ હતો. જિંદગીમાં ક્યારેય કંઈ ખોટું ન કરે. તેની સાથે કામ કરતા લોકો બધા જ પ્રકારના ગોરખધંધા કરે. એક વખત એ માણસને રૂપિયાની જરૂર ઊભી થઈ. ઓફિસમાં સાથે કામ કરતી વ્યક્તિ પાસે તેણે રૂપિયા ઉછીના માગ્યા. એ માણસે કહ્યું કે હું કહું એ કામ પતાવી દે, તને એમને એમ રૂપિયા આપું. મારે પાછા જ નથી જોઈતા. પેલા માણસે કહ્યું કે ના, મારે એ રીતે રૂપિયા નથી જોઈતા, તારે આપવા હોય તો ઉછીના આપ. તેના જવાબમાં એવું કહ્યું કે મારી પાસે તો હરામના રૂપિયા છે, તો શું તું હરામના રૂપિયા લઈશ? તું તો આવા રૂપિયાને ખરાબ ગણે છે. પેલા માણસે કહ્યું કે રૂપિયા સારા કે ખરાબ નથી હોતા, દાનત સારી કે ખરાબ હોય છે.
બૂરા બનવું બહુ સહેલું છે, કારણ કે કોઈ પણ માણસ ખરાબ બની શકે છે. સારા બની રહેવું જ વધુ અઘરું છે. સારા બનવું સહેલું હોત તો તો આખી દુનિયા સારી જ હોત. કોઈ માણસ કાયમી સારો જ રહે કે હંમેશ માટે ખરાબ જ રહે એવું જરૂરી નથી. સારો માણસ ગમે તે ઘડીએ ખરાબ થઈ શકે છે. યાદ રાખવા જેવી વાત એ જ છે કે સારી છાપ ઝડપથી ભૂંસાઈ જાય છે અને ખરાબ છાપ મિટાવતા વર્ષો અને ઘણી વખત આખી જિંદગી નીકળી જાય છે. એક સારા માણસે એક ભૂલ કરી અને બધા જ કહેવા લાગ્યા, એ તો ખરાબ છે. એક ખરાબ માણસે દસ સારાં કામ કર્યાં તો પણ કોઈ તેને સારો કહેતું નથી. એટલે જ સારા રહેવું અઘરું છે. સારાપણું તમારી દરેક ક્ષણે પરીક્ષા કરે છે.
હા, સારા માણસે સારા દેખાવા પ્રયત્ન કરવો પડતો નથી. ખરાબ માણસે એવી મહેનત કરવી પડે છે કે એ સારો દેખાય. અંધારામાં પણ જે માણસ સારો છે એ અજવાળામાં પણ એવો જ રહેવાનો છે. અંધારામાં જે માણસ સારો નથી એણે અજવાળામાં સારા દેખાવા પ્રયત્ન કરવો પડે છે. તમે કેવા છો એ તમારે જાણવું છે તો તમારી ગેરહાજરીમાં લોકો તમારા વિશે શું બોલે છે એની તપાસ કરજો. માણસની મજબૂરી કે ડર હોય છે જે ખરાબ માણસને મોઢામોઢ ખરાબ કહેતાં અટકાવે છે. ડરના કારણે સામે સારું બોલતો માણસ પાછળથી હંમેશાં ખરાબ બોલતો હોય છે.
સારા માણસને ખાનગીમાં પણ ખરાબ ન કહેવો એ સારા સંસ્કાર છે. તમારી નજીક સારો માણસ હોય એને તમે ક્યારેય મોઢામોઢ કહ્યું છે કે તું સારો માણસ છે. ખરાબ માણસની લોકો વાતો કરતા ફરે છે અને સારા માણસની કદર કરતાં ઓલવેઝ અચકાય છે. સારા માણસને સારો રાખવો એ પણ મોટું કામ છે, કારણ કે સારા માણસો લઘુમતીમાં છે અને દિવસે ને દિવસે ઘટતા જાય છે.
એક માણસ સંત પાસે ગયો. તેણે કહ્યું કે મારે હંમેશ માટે સારા બની રહેવું છે, મારે શું કરવું ? સંતે કહ્યું કે તો તારે રોજ જીતવું પડશે. પેલા માણસે કહ્યું કે મહારાજ, મને તમારી વાત સમજાઈ નહીં. સંતે કહ્યું કે માણસ તો માણસ જ હોય છે પણ દરેક માણસની અંદર એક સજ્જન અને એક શેતાન જીવતો હોય છે. આ બંને વચ્ચે રોજેરોજ યુદ્ધ ચાલતું રહે છે. સજ્જને દરરોજ શેતાનને મારીને જીવવાનું હોય છે. એ જ્યાં સુધી શેતાનને મારી શકે છે ત્યાં સુધી જ એ સારો માણસ રહે છે. શેતાન જો એક વખત જીતી ગયો અને સજ્જનને મારી નાખ્યો તો એ સજ્જનને પાછો જીવતો થવા દેતો નથી એટલે સારા બની રહેવા માટે દરરોજ શેતાનને મારીને જીતતા રહેવું પડે છે. શેતાન એક વખત જીતી ગયો તો પછી એ મોટો ને મોટો થતો જાય છે અને પછી એને મારી શકાતો નથી.
માણસ સારો કે ખરાબ હોય છે. બાળક સારું કે ખરાબ નથી હોતું. તમે કોઈ દિવસ સાંભળ્યું છે કે એ બાળક ખરાબ છે? બાળક બાળક જ હોય છે. મતલબ કે ઈશ્વર તો બધાને સારા બનાવીને જ મોકલે છે. મોટા થઈને માણસ પોતાનાં કર્મો કે કુકર્મોથી સારો કે ખરાબ બને છે. સારા અને સાચા માણસે ક્યારેય પોતાનો બચાવ કરવો પડતો નથી, કારણ કે જે સારું હોય છે એ વહેલું કે મોડું સાબિત થઈ જતું જ હોય છે. દરેક માણસ મહાન ન બની શકે પણ દરેક માણસ સારો તો બની જ શકે છે. અને હા, મહાન બનવું હજુયે સહેલું છે પણ સારા બનવું સહેલું નથી. તમારી અંદર રહેલા ‘સારાપણા’ ને જીવતું રાખો, જીવવાની મજા આવશે.   
છેલ્લો સીન :
મૃત્યુ પછી સમાજમાં મરનાર વિશે જે કાંઈ બોલાય છે તે સાંભળીને વિચારજો કે જીવન એવું જીવવું જોઈએ જેથી આપણા મૃત્યુ પછી લોકોએ અંજલિ આપતી વખતે ખોટું બોલવું ન પડે. -અજ્ઞાત    
(‘સંદેશ’, તા. 5 મે, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “

  1. મહાન બનવું હજુયે સહેલું છે પણ સારા બનવું સહેલું નથી. તમારી અંદર રહેલા 'સારાપણા' ને જીવતું રાખો, જીવવાની મજા આવશે.
    ———–
    બહુ જ મુદ્દાની વાત. સરસ વાત.

    હમ્મેશ મને એક પ્રશ્ન મૂંઝવ્યા કરે છે.
    આટઆટલા પેગંબરો, સંતો, ઋષિઓએ સમાજને સારા માર્ગે વાળવા કોશિષો કરી- પણ સારપ કેમ કદી સર્વ વ્યાપક બનતી નથી?
    અમેરિકામાં ગુલામી નાબુદી; ભારતમાં વિદેશી શાસન અને આભડછેટ ગાંધીયુગના પ્રતાપે ગયા- આવું બધું ઘણું છતાં પણ પછી ફરી અંધારું કેમ?

    કેમ સારપનો હમ્મેશ અસ્ત જ થયા કરે છે?
    ————
    ઈમેલથી જવાબ આપશો તો આભારી થઈશ.

  2. એ લોકોએ શું કર્યું એના કરતાં તારે હવે શું કરવું છે એનો વિચાર કર, કારણ કે જ્યાં સુધી તું એના વિચારો પણ કર્યે રાખીશ ત્યાં સુધી તું આડકતરી રીતે પણ એના કબજામાં જ રહીશ.
    ……………..
    માનવ સ્વભાવ અને સ્વવર્તુણક…સરસ મનનીય વાત. આપણું ઘડતર અને મળતું વાતાવરણ , સમયના એરણે જ ઘડાય અને ઘસાય.

    રમેશ પટેલ(આકાશદીપ)

Leave a Reply

%d bloggers like this: