કેટલાંક માણસો પણ ‘નકલી’ હોય છે
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
દેખાય હસતા રમતા જે ચહેરા જુદા જુદા, એની ઉપર છે કેટલા પહેરા જુદા જુદા.
જોજો જરા ચેતીને એને સ્વીકારજો, મળશે ફૂલોના વેશમાં કાંટા જુદા જુદા.
                                                            -ઋષભ ત્રિવેદી

ક્યારેય જેલમાં ન ગયેલો માણસ પણ ગુનાઈત હોઈ શકે છે. કોઈનું દિલ દુભાવવાની કોઈ સજા કાયદામાં નથી. દિલ દુભાવવું એ ગુનો હોત તો કેટલા લોકો સજા ભોગવતા હોત? હિંસા માત્ર શારીરિક હોતી નથી. માનસિક હિંસા વધુ ક્રૂર અને ખતરનાક હોય છે. કોઈના હાથપગ તોડીએ તો જેલમાં જવું પડે પણ કોઈનું દિલ તોડો તો કંઈ જ થાય નહીં. આપણે ક્યારેય વિચાર્યું છે કે હું કેટલો નિર્દોષ છું ?
દરેક માણસમાં નાનો કે મોટો તાલિબાન જીવતો હોય છે, જે પોતાના કબજાના માણસોને કંટ્રોલ કરતો રહે છે. ઘણાં મા-બાપ પણ એવાં હોય છે. તારે સ્લીવલેસ ડ્રેસ નથી પહેરવાનો, ટેટુ કરાવ્યું છે તો હું તારા ટાંટિયા તોડી નાખીશ, હું કહું એ જ તારે ભણવાનું છે, છોકરો થઈને બુટ્ટી પહેરતા તને શરમ નથી આવતી? સારું શીખવાડવાના નામે સંતાનોનું બૂરું કરનારાઓની બહુમતી છે.
સંસ્કાર ક્યારેય જબરદસ્તીથી લાદી શકાતા નથી. સંસ્કાર સ્વૈચ્છિક જ હોય છે. જબરદસ્તી હંમેશાં બળવાને આકાર આપે છે. કોઈ માણસ મજબૂર હોય ત્યાં સુધી એ સહન કરે છે પણ કોઈ વ્યક્તિ કાયમ માટે મજબૂર હોતી નથી. ઘર છોડીને ચાલ્યા જનારાઓ જ દોષી હોય એ જરૂરી નથી. ઘણી વખત તો ઘરમાં રહેનારા જ કારણભૂત હોય છે. તમે તમારી વ્યક્તિને જીવવાની આઝાદી આપો છો કે પછી તમે સરમુખત્યાર છો?
દરેક માણસ થપ્પડ મારતો નથી પણ એક શબ્દ એવો બોલે છે કે માણસને આરપાર ઊતરી જાય. શબ્દો શસ્ત્રથી પણ તેજ હોય છે. શબ્દોના ઘા દેખાતા નથી એટલે જ કદાચ એ ગુનો ગણાતો નથી. શબ્દોનો આડેધડ ઉપયોગ કરતાં ક્રિમિનલ્સ છૂટા ફરતાં હોય છે. તમે ઘરમાં મોટા હોવ કે સિનિયર હોવ એટલે તમને આડકતરી રીતે તમે ઇચ્છો એવું કરી શકવાનો અધિકાર મળી જતો હોય છે. તમે આ અધિકારનો ઉપયોગ કેવી રીતે કરો છો તેના પરથી તમે નિર્દોષ છો કે ગુનેગાર એ નક્કી થતું હોય છે. આવા ઘણા ગુનેગારો ઘરમાં વડીલો અને ઓફિસમાં સાહેબો થઈને બેઠા હોય છે.
હા, આપણે બીજાને ઘણી વખત દોષી ઠેરવી દેતા હોઈએ છીએ પણ પોતે એવું ક્યારેય વિચારતા નથી કે હું નિર્દોષ છું ખરો? ઘરે કામ કરવા આવતી વ્યક્તિ સાથે આપણું બિહેવિયર માણસ સાથે માણસના વર્તન જેવું હોય છે ખરું? આપણી પ્રિય વ્યક્તિ ઉપર પણ આપણે કેટલો કબજો કરતાં હોઈએ છીએ? સંબંધમાં માલિકીભાવ દાદાગીરીથી ન આવે, એ તો મુક્તિથી જ શક્ય બને.
વોચ રાખવાની સોચ જોખમી છે. તમારી વ્યક્તિ તમારી ઇચ્છા મુજબ જ કરે એવું તમે લાદી દેશો ત્યારે એ વ્યક્તિ ખાનગીમાં પોતાની રીતે વર્તવાની શરૂઆત કરી દેશે અને જેવો મેળ ખાશે કે તરત જ તમારાથી દૂર થઈ જશે. પ્રેમીઓને આ વાત સૌથી વધુ લાગુ પડે છે. બ્રેકઅપનાં કારણો તપાસી જોજો, એની પાછળ મોટાભાગે જોહુકમી જ જવાબદાર હશે.
બંધિયાર પ્રેમ ગંધાઈ જાય છે. વાસ અને સુવાસ માટે સ્વભાવ જ જવાબદાર હોય છે. એક છોકરીએ કહેલી આ વાત છે. તેણે કહ્યું કે, મેં મારા પ્રેમીને છોડી દીધો. મેં આખો દિવસ શું કર્યું એનો મારે હિસાબ આપવાનો? તું કોને મળી હતી? કોની સાથે શું વાત થઈ? તેં આવી વાત કેમ કરી? તારા મોબાઇલમાં આ એસએમએસ કોનો છે? એ તને શા માટે ફોન કરે છે? તારે એની સાથે વાત કરવાની નથી. આવો ડ્રેસ તારે નથી પહેરવાનો. તારી બહેનપણી સારી નથી, તું એની દોસ્તી તોડી નાખ. આખરે મેં એની સાથે જ સંબંધ તોડી નાખ્યો. એવું નથી કે માત્ર છોકરાંવ જ આવું કરે છે. ડોમિનેશનને લિંગભેદ નથી. ઘણી છોકરીઓ પણ પોતાના પ્રેમીને કંટ્રોલમાં રાખવાના પ્રયાસના કારણે જ ગુમાવતી હોય છે. સંબંધો ગમે તે હોય, સારા-નરસાનો ભેદ સમજાવવામાં કંઈ ખોટું નથી. હું જે વિચારું છું એ જ બરાબર છે અને હું કહું એ જ કરવાનું છે એ દાનત ખોટી છે. માણસે નક્કી કરવાનું હોય છે કે એને પ્રેમ જોઈએ છે કે આધિપત્ય? સારી ભાવનાથી કરવામાં આવતી જબરદસ્તી પણ વાજબી હોતી નથી.
એક સારો માણસ હતો. ઘરના બધા જ લોકો તેના પર દાદાગીરી કરે. એ માણસ સહન કરીને પણ બધા સાથે સરખી રીતે રહે. એક દિવસ એણે ઘર છોડી દીધું. તેને થયું કે બીજા ગામ જઈને હવે સારી રીતે જીવીશ. જંગલમાંથી પસાર થતો હતો ત્યાં તેને એક સાધુ મળ્યો. એણે સાધુને પૂછયું કે મહારાજ, મારા લોકો આવા કેમ છે? હું સારો રહું તો પણ મારી સાથે આવું કેમ કરે છે? મહારાજે કહ્યું કે, જેમ રૂપિયાની નોટ કે કોઈ ચીજવસ્તુ નકલી હોય છે, એમ કેટલાંક માણસો પણ નકલી હોય છે. જેવા હોવા જોઈએ એવા ન હોય એ માણસ ‘નકલી’ છે. કુદરત તો માણસને અસલી જ બનાવે છે પણ પોતાના સ્વભાવ, વૃત્તિ, વર્તન અને દાનતથી માણસ જ પોતાને નકલી બનાવે છે. નકલી હોય એ વહેલા કે મોડા પરખાઈ આવતું હોય છે. દૂધમાંથી તમે દહીં બનાવો, છાશ બનાવો,માખણ બનાવો કે પનીર એ ધોળું જ રહેવાનું છે. એમ સજ્જન માણસ કાયમ સજ્જન જ રહેવાનો છે. એ લોકોએ શું કર્યું એના કરતાં તારે હવે શું કરવું છે એનો વિચાર કર, કારણ કે જ્યાં સુધી તું એના વિચારો પણ કર્યે રાખીશ ત્યાં સુધી તું આડકતરી રીતે પણ એના કબજામાં જ રહીશ.
દરેક ગુનાના કાયદા નથી હોતા, એટલે જ કોઈનું દિલ ન દુભાવવું. અહિંસક દેખાતો માણસ ઘણી વખત રાક્ષસ કરતાં પણ વધુ હિંસક હોય છે, એવા લોકો પોતાના પાપે જ તૂટતા હોય છે. યાદ રાખો, એક ન્યાય કાયદાનો હોય છે અને એક ન્યાય કુદરતનો હોય છે. ‘પોએટિક જસ્ટિસ’ ના ચુકાદામાં જેલ સંભળાવાતી નથી પણ સજા ભોગવવી પડતી હોય છે. પાગલખાનામાં એવા ઘણાં લોકો હોય છે જેણે બંધારણ મુજબ કોઈ ગુનો કર્યો હોતો નથી.
ઘરના કેટલા વડીલો બગીચાના માળી જેવા હોય છે? તમારી પાસે બગીચો હોય તો ફૂલને ખીલવા દો, સુગંધ આપોઆપ આવશે. જેલર બનવા જશો તો તમે જ કેદી બની જશો. દુનિયા ભલે એમ કહેતી હોય કે આપણા ખરાબ સમયમાં કોઈ સાથે નથી રહેતા,સારા લોકો સાથે ગમે એવા ખરાબ સમયમાં પણ પોતાના લોકો હોય જ છે. ખરાબ માણસ જ ખરાબ સમયમાં એકલો પડી જતો હોય છે. કોઈનું સારું ન કરનાર કોઈ પાસેથી સારાપણાની અપેક્ષા કેવી રીતે રાખી શકે? એવી વ્યક્તિએ તો કોઈને ખરાબ કે બૂરા કહેવાનો અધિકાર પણ નથી. મારું કોઈ શું બગાડી લેવાના છે એવું માનનારાનું જ જ્યારે બગડી જાય છે ત્યારે કોઈ સુધારવાવાળું નજરે પડતું નથી. બાય ધ વે, તમે તો કોઈનું દિલ દુભાવવાનો ગુનો કરતા નથીને? કાયદા મુજબ દોષી ન હોય તો પણ માણસે વિચારતા રહેવું જોઈએ કે હું નિર્દોષ તો છુંને ?
છેલ્લો સીન :
ઈરાદાપૂર્વક પોતાની જાતને મોટો દેખાડવાની કોશિશ માણસને સાવ વામણો બનાવી દે છે. –અજ્ઞાત 
(‘સંદેશ’, તા. 28મી એપ્રિલ, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

One thought on “

  1. True sir…

    after reading you i m relieved today… was being punished for such a crime for many months…. thanks a lot…. u always satisfy the need of the hour for me… i read you wen ever i feel down…. thanks again…

Leave a Reply

%d bloggers like this: