તમારી હતાશામાંથી તમારે જ બહાર નીકળવું પડે
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

લગાતાર મળતું ભલે રેત જેવું, હજી ઝાંઝવાંમાં ય છે ભેજ જેવું, 
કરે શું સમયને સમયથી અલગ એ, હશે જ્યાં સુધી આપણું એક જેવું.
-ધૂની માંડલિયા

કોઈ માણસ એવો નહીં હોય, જે જિંદગીમાં ક્યારેય હતાશ, નિરાશ કે ઉદાસ ન થયો હોય. દરેકની જિંદગીમાં નબળી અને અઘરી પરિસ્થિતિઓ આવતી જ રહે છે. જિંદગીમાં અનેક વખતે એવું બને છે જે આપણને હચમચાવી અને ડગમગાવી નાખે છે. ભીનું કાપડ સુકાતું હોય છે પણ તેને પાણીની ડોલમાંથી બહાર કાઢીને દોરી પર સૂકવવા મૂકવું પડે છે. ડોલમાં જ પડયું રહે તો એ ક્યારેય સુકાય નહીં. કપડું સુકાવવા માટે આપણે ડોલમાં ભરાયેલું પાણી સુકાવાની રાહ ન જોઈ શકીએ. કંઈક એવું જ આપણી હતાશાનું છે. હતાશા આપણી અંદર હોય છે, તેને આપણે જ બહાર કાઢી ખંખેરી નાખવી પડે છે.

દરેક માણસને પોતાની હતાશા મોટી અને આકરી લાગે છે. દરેકને એમાંથી બહાર પણ નીકળવું હોય છે. કોઈ વહેલા કે કોઈ થોડા મોડા તેમાંથી બહાર નીકળી જ જાય છે. હતાશા જો લાંબી ચાલે તો જોખમી બની જાય છે. ડિપ્રેશન અને આત્મહત્યાનું કારણ નાની મોટી હતાશા જ હોય છે. આપણે હાઇ-વે પર જતાં હોઈએ ત્યારે બોર્ડ આવે છે કે સાવધાન, આગળ ખતરો છે. આ બોર્ડ વાંચીને આપણે સાવધાન થઈ જઈએ છીએ. હતાશા આપણી જિંદગીમાં બોર્ડ મારીને આવતી નથી, એને તો આપણે જ પકડી પાડવાની અને સમજી લેવાની જરૂર હોય છે. જો સમયસર સાવધાન ન થઈએ તો અકસ્માત નક્કી હોય છે.

દરેક વ્યક્તિએ એક વાત યાદ રાખવા જેવી છે કે કોઈ હતાશા કાયમી હોતી નથી. હતાશા જવા માટે જ આવી હોય છે. જો તમે એને નહીં છોડો તો એ તમને પકડી રાખશે. આપણાં શરીર ઉપર કોઈ જીવડું ચોંટી જાય ત્યારે આપણે કેવો ઝાટકો મારીને તેને ખંખેરી નાખીએ છીએ? આપણને ખબર હોય છે કે જો આપણે આ જીવડાને ઉખેડીને ફેંકી નહીં દઈએ તો એ આપણને કરડી જશે. હતાશા એ એક એવું જીવડું છે જે દેખાતું નથી, છતાં તે આપણી આખી જાતનો કબજો લઈ લે છે, પતી ગયું હવે હું કંઈ જ નહીં કરી શકું, મારી કલ્પનાશક્તિ ખતમ થઈ ગઈ છે, મને કોઈ સારા અને ક્રિએટિવ વિચારો જ આવતાં નથી, બધું જ અંધકારમય બની ગયું છે. જિંદગીમાં હવે જીવવા જેવું કંઈ જ નથી… આ અને આવા વિચારો આવવા લાગે છે. જો તમે આવા વિચારોને ન ખંખેરો તો એ ઘૂંટાતા જાય છે. નિરાશા ઉપર એક પછી એક પડ ચડતું જાય છે અને એક તબક્કો એવો આવે છે કે તમે એ જ કોચલામાં ગૂંગળાઈ જાવ છો. પહેલું જ પડ જો તમે ઉખેડી લો તો આરામથી બહાર નીકળી શકાય છે.

માણસ હતાશ કે ઉદાસ થાય ત્યારે તેને ખબર હોય છે કે હું મજામાં નથી, મને ક્યાંય ગમતું નથી. આવા સમયમાં એ કાં તો સાવ ચૂપ થઈ જાય છે અને કાં તો એકદમ ગુસ્સાવાળો બની જાય છે. ઘણા માણસોને તો ખબર પણ હોય છે કે પોતે ડિપ્રેશનમાં છે. જો એ ખબર હોય તો પછી એ માટે મનને તૈયાર કરો કે મારે આ હતાશામાંથી બહાર નીકળવું છે.

માણસ હતાશ થાય ત્યારે એને આપણે કોઈ ડાહ્યી વ્યક્તિ પાસે લઈ જઈએ છીએ. ઘણી વખત પુસ્તકો દ્વારા પ્રેરણા પૂરી પાડવાનો પ્રયાસ કરીએ છીએ. એ બધી જ વાત સાચી અને સારી છે. પણ સૌથી મહત્ત્વની વાત તો એ જ છે કે અંતે તો માણસે પોતે જ પોતાની હતાશામાંથી બહાર આવવું પડે છે. પાઈપમાં કચરો ભરાઈ ગયો હોય તો સળિયાથી આપણે તેને ધક્કો મારીએ છીએ, એવું જ બધું બહારના પ્રયાસોથી થાય છે. અંદરથી તો માણસે પોતાની જાતે જ બહાર નીકળવું પડે છે. કોઈ પણ ફિલોસોફર હોય એ એવી વાત કહે છે કે આ રીતે સુખી થવાય, આ રીતે વિકાસ કરી શકાય, પણ જો તમારી તૈયારી ન હોય તો તમને કોઈ સુખી ન કરી શકે. સૌથી પહેલાં તો આપણે જ નક્કી કરવાનું હોય છે કે મારે સુખી અને સાજા થવું છે.

હા, દરેક સાથ, દરેક શબ્દ, દરેક સ્પર્શ, દરેક સંવેદના, દરેક હૂંફ બહુ અસર કરે છે. પોતાની વ્યક્તિ આપણી હતાશા દૂર કરવા દરેક પ્રયત્ન કરી જુએ છે પણ તેની અસર જ ન થાય તો? દરેક શબ્દ માત્ર કાનથી જ પછડાઈને પાછો ફરી જાય તો? પોતાની વ્યક્તિનો સ્પર્શ આપણને સ્પર્શે જ નહીં તો? પથ્થરને ચુંબન કરવાથી પથ્થર સળવળતો નથી. આપણે સૌથી પહેલાં આપણામાં જામી ગયેલા પથ્થરને તોડી નાખવો પડે છે.

સારા સમયમાં તો દરેક માણસ સશક્ત અને મજબૂત હોય છે. માણસનું મનોબળ કેવું છે એની કસોટી ત્યારે જ થાય છે જ્યારે એ ખરાબ સમય, સંજોગો અને સ્થિતિમાંથી બહાર નીકળી બતાવે. યાદ રાખો કે હતાશા ક્યારેક તો ત્રાટકવાની જ છે અને આપણે તેને હાંકી કાઢવાની જ છે. કોઈ પણ મહાન માણસનું જીવન જોઈ લ્યો એ ક્યારેક તો હતાશ થયા જ હશે, એ મહાન એટલા માટે જ થયા કે તેણે હતાશાને નિષ્ફળતામાં તબદિલ થવા ન દીધી. વર્લ્ડના બેસ્ટ પ્લેયરમાં બાસ્કેટબોલ ખેલાડી માઈકલ જોર્ડનની ગણના થાય છે. માઈકલ જોર્ડન હાઈસ્કૂલમાં હતા ત્યારે તેને બાસ્કેટબોલની ટીમમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. ટીમમાં તેને સામેલ નથી કરાયા તેની જ્યારે માઈકલને ખબર પડી ત્યારે એ દોડીને ઘરે આવ્યા. પોતાના રૂમમાં પુરાઈને એ ધ્રૂસકે ધ્રૂસકે રડયા હતા. રડવાનું પૂરું થયું પછી તેણે નક્કી કર્યું કે હું આમાથી બહાર આવીશ. જો માઈકલ જોર્ડને રડયા જ રાખ્યું હોત તો?

માણસ ક્યારે હતાશ થાય છે? નિષ્ફળતા મળે ત્યારે, નોકરી ગુમાવે ત્યારે, નોકરીમાં ઠપકો મળે કે નીચી પાયરીએ ઉતારી મુકાય ત્યારે, ધંધામાં ખોટ જાય ત્યારે કે ભણવામાં નાપાસ થાય ત્યારે માણસ હતાશ થાય છે. જોકે સૌથી મોટી હતાશા સંબંધો તૂટે કે કોઈનો હાથ છૂટે ત્યારે થાય છે. જેને પોતાની વ્યક્તિ સમજતાં હોઈએ અને જેને જિંદગીની સૌથી મોટી અમાનત સમજતા હોઈએ એ વ્યક્તિ જ્યારે ડીચ કરે ત્યારે સૌથી અઘરી પરિસ્થિતિ હોય છે. આવા સમયે પણ એક વાત યાદ રાખો કે કોઈ વ્યક્તિ જિંદગીની અંતિમ વ્યક્તિ હોતી નથી. કોઈ સંબંધ પૂરો થવાથી જિંદગીનું પૂર્ણવિરામ આવી જતું નથી. આવું થાય ત્યારે વિચારો કે આ પણ એક દૌર છે જે પસાર થઈ જવાનો છે. હા, એ સહેલું નથી, સહેલું હોત તો આટલું આકરું થોડું લાગત? જિંદગીમાં બધું જ પૂરું થઈ ગયું હોય એવું લાગવા માંડે છે. કોઈ વાતમાં મજા નથી આવતી. જે વસ્તુ કે વાતાવરણથી આપણે નાચી ઊઠતા હતા એની જ કોઈ અસર થતી નથી. જોકે એ સમય પણ પસાર થઈ જવાનો હોય છે. આપણે આપણી જાતને બસ થોડો સમય સંભાળી રાખવાની હોય છે.

બ્રેકઅપ , ડિવોર્સ, દગો, વિશ્વાસઘાત જેવું કંઈ થાય ત્યારે માણસ તૂટી જાય છે. આ બધાની અસર તો થવાની જ છે. એ અસર જ આપણને સમજાવે છે કે આપણે માણસ છીએ. આપણને સુખ સ્પર્શે છે તો દુઃખ પણ અસર કરે જ છે. દુઃખ પણ આપણી સંવેદનાનો જ એક ભાગ છે. પણ આવા દુઃખને પંપાળે રાખવાનું પરિણામ જીવલેણ હોય છે. માણસે આખરે તો જીવવાનું હોય છે. આપણે ઘણી વખત એક વ્યક્તિને ખૂબ જ મહત્ત્વની સમજી લઈએ છીએ અને એ દૂર થાય ત્યારે તૂટી જઈએ છીએ. આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણી જિંદગી સાથે એના સિવાયની અનેક જિંદગીઓ પણ જોડાયેલી હોય છે.

જિંદગીને માત્ર મર્યાદિત નજરથી ન જુઓ, કોઈ પર્વત ઝરણાંને રોકી નથી શકતો. એવી જ રીતે કોઈ હતાશા જિંદગીને અટકાવી શકતી નથી. તમારી જાતને કોઈ સંજોગોમાં નબળી ન પડવા દો. તમે જ તમારો સૌથી મોટો આધાર છો. હા, તમારી વ્યક્તિ, તેની હૂંફ, તેની સાંત્વના અને તેના શબ્દોની કદર કરો, એ તમને ચાહે છે અને તમારા દુઃખ અને હતાશાની તેને ખબર અને અસર છે. તમારે એમના માટે અને તમારા માટે હતાશામાંથી બહાર આવવાનું છે. બને ત્યાં સુધી તો એવું જ વિચારો કે આપણે હતાશાને આપણા ઉપર હાવી થવા નથી દેવી. જોકે, ઘણી વાર આપણી જાણબહાર એ ચડી આવે છે, આપણું કંઈ ચાલતું નથી. આવા સંજોગોમાં તમે જ તમારી જાતને બહાર કાઢી શકો. તમારી તાકાતને ઓળખો, તમે કરેલા કામને અને તમને મળેલી સફળતાને યાદ કરો, તમે જરાયે ઊતરતાં અને કોઈથી કમ નથી. બધી જ હતાશા, નિરાશા અને ઉદાસીને ખંખેરી નાખો. જિંદગી તમારી રાહ જોઈને બેઠી છે. તમે દસ્તક તો આપો એ તમને તરત જ ગળે વળગાડી દેશે. હાસ્ય, આનંદ અને સુખ હંમેશાં આપણી નજીક જ હોય છે, તમે એનાથી દૂર ન ભાગો… નજર ફેરવો એ હાજર જ છે.

છેલ્લો સીન :
માણસ દુઃખી છે, કારણ કે તે એવી વસ્તુઓની કામનાથી ભરપૂર છે, જે ટકી શકતી નથી.
-શ્રી અરવિંદ

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: