સરખામણીનું દુ:ખ
CHINTAN NI PALE by Krishnkant Unadkat

ફૂલ  હોવાની ખુમારી બહુ મજાની  છે મિત્રો,
દિન ખુદા એવો ન લાવે કે હું પથ્થર લાગું.
-શૂન્ય પાલનપુરી

          પતંગિયું ક્યારેય તેની પાંખોના રંગોની સરખામણી બીજા પતંગિયાના રંગો સાથે કરતું હશે? મેઘધનુષના સાતેય રંગોને એક-બીજાની ઇર્ષા થતી હશે? માછલીઓ તરણ સ્પર્ધા યોજીને કોણ વધુ ઝડપે તરી શકે છે એની સરખામણી કરતી હશે? આંબો ક્યારેય બાજુના આંબાને જોઈને એવું વિચારતો હશે કે એ આંબામાં કેરી કેમ વધુ છે. હા, એટલી ખબર છે કે માણસ કાયમ પોતાની સરખામણી બીજા સાથે કરતો ફરે છે!
          બાળક નાનું હોય ત્યારથી તેના મગજમાં એક વાત ઠોકી બેસાડાય છે કે તારે કોના જેવું થવું છે? બધાને કોઈકના જેવું થવું છે. એવા કેટલાં લોકો હશે જેને પોતે છે એવા જ થવું છે? દરેક વ્યક્તિ પોતાની જિંદગીની મંજિલ નક્કી કરી રાખે તેમાં કંઈ ખોટું નથી. કોઈ વ્યક્તિ, કોઈ આદર્શ કે કોઈ સિદ્ધાંતને માઈલ સ્ટોન ગણી ત્યાં પહોંચવાનો પ્રયાસ કરે એમાં પણ કંઈ ગેરવાજબી નથી, પણ સરખામણી કરીને દુ:ખી થયા રાખવાનો કોઈ મતલબ નથી.
          માણસે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે કોઈના જેવા થવામાં પોતાની ઓરિજીનાલિટી ન ગુમાવી બેસે! બનવા જોગ છે કે તમે બીજી વ્યક્તિ કરતા સાવ જુદા, અનોખા અને નિરાળા હો! ઈશ્વરે સર્જેલી પ્રકૃતિ જ બતાવે છે કે જિંદગીમાં વૈવિધ્ય હોવું જોઈએ. ઈશ્વરે કદાચ એટલે જ માણસને પણ જુદી જુદી જાતના અને અલગ અલગ પ્રકૃતિના બનાવ્યા છે. છતાં માણસ બીજા સાથે પોતાની સરખામણી કરીને દુ:ખી થતો રહે છે!
          પેરિસની સ્કૂલ ઓફ ઈકોનોમિક્સે યુરોપના જ ૨૪ દેશોના ૧૯ હજાર લોકો પર અભ્યાસ કરીને તારણ કાઢયું કે, ૭૫ ટકાથી વધુ લોકો પોતાના પગારની સરખામણી બીજા સાથે કરીને દુ:ખી થાય છે! મજાની વાત એ છે કે જે લોકો પર અભ્યાસ થયો એ બધા જ સારા પગારની નોકરી કરતાં હતા! પગાર એ જીવનનો કે આવડતનો બહુ મોટો ક્રાયટેરિયા નથી! તમારાથી કોઈનો પગાર વધુ હોય એટલે એવું માની લેવાની જરાયે જરૂર નથી કે એ માણસ તમારાથી વધુ હોંશિયાર, વધુ ડાહ્યો, જ્ઞાની કે સુખી છે!
          દેખાદેખીથી માણસ સૌથી વધુ દુ:ખી થાય છે. બહુ ઓછા લોકો એવું વિચારતાં હોય છે કે મારી પાસે મારે જોઈએ એ બધું જ છે અને મારા માટે પૂરતું છે, હું મારી પાસે જે છે એનાથી સુખી છું. હવે તો માણસ પોતાના સંતાનને બીજાના સંતાનથી બે-પાંચ ટકા ઓછા આવે તો પણ દુ:ખી દુ:ખી થઈ જાય છે. પોતાના બાળકને ડોબું સમજવા માંડે છે, હકીકતે આવી સરખામણી કરવાવાળાં જ ડોબા હોય છે! તમારી પાસે જેટલું છે એટલામાં શાનથી જીવો, બીજા લોકો આપોઆપ તમને માન આપવા માંડશે.
          એક સાંજે રાજા તેના મંત્રીને લઈને નગરચર્યાએ નીકળ્યો. રાજા અને મંત્રી ગામના પાદરે આવેલા એક ખેતરે પહોંચ્યા. ખેડૂત એની પત્ની અને બે બાળકો સાથે પ્રેમથી સાંજનું ભોજન કરતો હતો. રાજાને પોતાના ખેતરમાં જોઈને એ ઊભો થઈ ગયો. રાજાએ ખેડૂતને પૂછ્યું, તું સુખી તો છે ને? ખેડૂતે કહ્યું, જી મહારાજ! હું બહુ જ સુખી છું. સામો શેઢો દેખાય છે ત્યાં સુધી મારું ખેતર છે, બાજુમાં વહેતી નદીમાંથી પૂરતું પાણી મળી રહે છે, દર વર્ષે સારો પાક થાય છે, પ્રેમ કરે એવી પત્ની છે અને બે ડાહ્યા બાળકો છે.
          સુખ કહેવાય એવું બધું જ મારી પાસે છે! રાજા અને મંત્રી ત્યાંથી નીકળ્યાં. રાજાએ મંત્રીને પૂછ્યું કે મને કેમ આજે એવું લાગ્યું કે એ ખેડૂત મારા કરતાં સુખી છે! મારી પાસે તો એની પાસે છે તેનાથી અઢળક સંપત્તિ છે! ખેડૂત પાસે જે છે એનાથી એ ખુશ છે અને તમે જે છે એને વધારવાની ફિરાકમાં જ રચ્યાપચ્યા રહો છો. ખેડૂત એના બાળકોને ખેતી શીખવે છે અને તમે તમારા સંતાનોને લડાઈ કરતાં શીખવો છો! તમને તો એ પણ ચિંતા છે કે લડાઈમાં રાજકુમાર માર્યો જશે તો? તમે તમારી સરખામણી મોટા રાજાઓ સાથે જ કરો છો અને દુ:ખી રહો છો!
          આપણે બધા જ થોડાં- ઘણાં અંશે રાજા જેવું જ કરતાં હોઈએ છીએ. ઘણાં લોકો એવા પણ હોય છે જે પોતાનાથી ઓછું હોય એવી સરખામણી કરીને અભિમાનમાં રાચે છે. આવા સંજોગોમાં માણસ પોતાનાથી ઓછું હોય તેને નબળો ગણે છે. વધુ હોય તેની સાથે સરખામણી જેમ યોગ્ય નથી એવી જ રીતે ઓછું હોય તેની સાથે પણ કમ્પેરિઝન વાજબી નથી, કારણ કે કોઈનું વધુ જોઈને ઈર્ષા થાય છે અને કોઈનું ઓછું જોઈ તેના પ્રત્યે તિરસ્કાર થાય છે.
          સંપત્તિની સરખામણી ક્યારેય સુખ આપતી નથી. માણસ વધુ સારો થવા કે વધુ પ્રામાણિક બનવા કોઈ જ પ્રયાસ કરતો નથી. બધાને રૂપિયાવાળા થવું છે, બહુ ઓછા લોકોને દિલવાળા થવુ ંછે! યાદ રાખો, તમે જેવા છો એવા રહેશો તો કોઈ તમને દુ:ખી નહીં કરી શકે. દરેક માણસને ઈશ્વરે તેના પૂરતું આપ્યું જ હોય છે પણ આપણે તો હંમેશાં બીજા કરતાં વધુ જોઈતું હોય છે. સુખ માટે સંપત્તિ મહત્વની નથી, પ્રેમ, લાગણી, સંબંધો અને સંતોષ મહત્વનો છે. બીજા સાથે સરખામણી કરવાનું છોડીને તમારી પાસે જે છે તેના વિશે વિચાર કરો તો ચોક્કસ એવું ફીલ થશે કે, હું બહુ સુખી છું!‘

છે લ્લો સીન:
અભિમાનથી માનવી ફુલાઈ શકે છે, ફેલાઈ શકતો નથી. – રસ્કિન

CONTACT : [email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

6 thoughts on “

Leave a Reply to naynesh parekh Cancel reply

%d bloggers like this: